ગુજરાતના સૌથી વ્યસ્ત અને વીઆઈપી ગણાતા અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે આગામી ૬ મહિના ભારે કસોટીપૂર્ણ રહેવાના છે. હાઇવે પર નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નવો ફોર-લેન (ચાર માર્ગીય) રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ આ જગ્યાએ ડાયવર્ઝન પ્રોજેક્ટની સિવિલ કામગીરી ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે, જેના કારણે રોડની પહોળાઈ કામચલાઉ ધોરણે ઘટી ગઈ છે.

SG હાઇવે વાહનચાલકો ખાસ નોંધ લે!

બાંધકામની આ સાઇટ પર તોતિંગ ક્રેન્સ અને જેસીબી મશીનો કાર્યરત હોવાથી સવાર-સાંજ અકસ્માત થવાનો ભારે ભય રહે છે. આ સાથે જ ભારે વાહનોના કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને માર્ગ-મકાન વિભાગે મોટો નિર્ણય લીધો છે. નવા જાહેરનામા અનુસાર, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી લઈને ગાંધીનગરના ચ-૦ સર્કલ સુધીના મુખ્ય હાઇવે પર સવારના 7 થી રાતના 11 વાગ્યા સુધી તમામ ભારે કમર્શિયલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૧૫ જાન્યુઆરી, 2027 સુધી એટલે કે આગામી ૬ મહિના સુધી સતત અમલમાં રહેશે.

2027 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ભારે વાહનોને સિટીની બહારના રીંગ રોડ પર ડાયવર્ટ કરવા માટેના વૈકલ્પિક રૂટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક અહેવાલો મુજબ, પ્રતિબંધનો આદેશ લાગુ થઈ ગયો હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર હજુ પણ કડક અમલવારીનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. અનેક ભારે ટ્રકો હજુ પણ નો-એન્ટ્રીના સમયે હાઇવે પર ઘૂસી રહી છે, જેને કારણે નાની કાર અને ટુ-વ્હીલર ચાલકો કલાકો સુધી જામમાં ફસાય છે. ટ્રાફિક પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં વૈષ્ણોદેવી સર્કલ પર પોલીસ પોઇન્ટ્સ વધારીને આ નિયમનો ભંગ કરનારા તમામ ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરો સામે આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને વાહનો ડિટેઈન કરવામાં આવશે.

આ પણ વાંચો: Morbi: ચરાડવાના દેવીપુર પાસે સ્કૂલનો બસનો અકસ્માત, ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત