હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર આજે વહેલી સવારે એક મોટી કંપારી છૂટી જાય તેવી દુર્ઘટના ઘટી છે. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા 'બ્રિલિયન્ટ સ્કૂલ'ની બસ ચરાડવા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને બેસાડીને શાળા તરફ જઈ રહી હતી. બસ જ્યારે દેવીપુર ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આગળ જઈ રહેલી એક ટ્રકના ચાલકે બ્રેક મારતા અથવા સ્કૂલ બસના ચાલકની બેદરકારીના કારણે બસ પાછળથી ટ્રકમાં જોરદાર ધડાકા સાથે ભટકાઈ હતી.

હળવદ-ચરાડવા રોડ પર દેવીપુર પાસે અકસ્માત

ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ બસના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને વિન્ડશિલ્ડનો કાચ તૂટીને અંદર બેઠેલા બાળકો પર પડ્યો હતો. બસમાં સવાર બાળકો કઈ સમજે તે પહેલાં જ લોહીલુહાણ થઈ ગયા હતા અને હાઇવે પર બાળકોની મરણચીસો ગુંજી ઉઠી હતી. આ અકસ્માત જોઈને આજુબાજુના ખેતરોમાંથી સ્થાનિક ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક બાળકોની મદદે દોડી આવ્યા હતા. લોકોએ બસના ઈમરજન્સી દરવાજા અને બારીઓમાંથી બાળકોને એકપછી એક બહાર કાઢ્યા હતા.

8 માસૂમ વિદ્યાર્થીઓ લોહીલુહાણ

આ અકસ્માતમાં કુલ 8 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સની ટીમો દોડી આવી હતી. ઈજાગ્રસ્તો પૈકી 6 બાળકોને તાકીદે નજીકની ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓના માથા અને શરીરના ભાગે વધુ ગંભીર ઈજાઓ હોવાના કારણે તેમને વધુ સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ શાળા સંચાલકો અને વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. હળવદ પોલીસે ઘટનાની નોંધ લઈ કાનૂની તપાસ શરૂ કરી છે કે અકસ્માત બસ ચાલકની ઓવરસ્પીડના કારણે થયો છે કે અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

આ પણ વાંચો: Surat: મનપા દ્વારા બાંધકામ સાઇટ્સ પર ચેકિંગ હાથ ધરી મચ્છરોના બ્રીડિંગ મળતા નોટિસ, 2.35 લાખનો દંડ ઝીંકાયો