જૂનાગઢમાં BAMS (આયુર્વેદ) પરીક્ષાનું પેપર લીક થવાના મામલે વિદ્યાર્થી આલમ અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદને પગલે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) ના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. NSUI દ્વારા જૂનાગઢ કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પેપર લીક કાંડની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરાવવાની સખત માગણી કરવામાં આવી છે.

દોષિતો સામે કડક કાર્યવાહી અને રાજીનામાની માગ

વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા નેતાઓ અને કાર્યકરોએ શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે માગ કરી હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા દોષિત અધિકારીઓ અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ, નૈતિકતાના ધોરણે રાજ્યના શિક્ષણ મંત્રી તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી તીવ્ર માગ પણ ઉચ્ચારવામાં આવી હતી.

કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી નોંધાવ્યો અનોખો વિરોધ

આવેદનપત્ર આપવા પહોંચેલા NSUI ના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીના કેમ્પસમાં જ બેસીને 'રામધૂન' બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સરકારી તંત્રને સદબુદ્ધિ મળે તે માટે કાર્યકરોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરતા કલેક્ટર કચેરી પરિસર ગૂંજી ઉઠ્યું હતું. કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Dwarka માં બુટલેગરો બેફામ, કારમાં દારૂની બોટલ સાથે રીલ બનાવી પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ...