રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓમાં અરેરાટી ફેલાવી દે તેવી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જેતપુરના સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે રેલવે ટ્રેક પર પસાર થઈ રહેલી બે સિંહણો ટ્રેનની અડફેટે આવી જતાં બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. એકસાથે બે સિંહણોના અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.

પાટા પર જતી બે સિંહણોને ભાવનગર-પોરબંદર ટ્રેને અડફેટે લીધી

મળતી વિગતો અનુસાર, જેતપુર નજીક સ્ટેશન વાવડી અને ખીરસરા રેલવે સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેક પર બે સિંહણો પસાર થઈ રહી હતી, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી ભાવનગર-પોરબંદર ટ્રેને બંને સિંહણોને જોરદાર અડફેટે લીધી હતી. ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે બંને સિંહણોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

બંને સિંહણોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રેલવે પોલીસે ફોરેસ્ટ વિભાગને આ દુર્ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ જેતપુર ફોરેસ્ટ વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યારે જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવવા રવાના થયા હતા. બીજી તરફ, રેલવે ટ્રેક પર બે સિંહણોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળે સ્થાનિકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.

નવેમ્બર મહિનામાં જ ટ્રેનની અડફેટે 3 સિંહણોએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં એશિયાટિક સિંહો માટે નવેમ્બર મહિનો અત્યંત ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં માત્ર નવેમ્બર મહિનામાં જ ટ્રેનની અડફેટે કુલ 3 સિંહણોએ જીવ ગુમાવ્યા છે.14 નવેમ્બર: જૂનાગઢ પંથકમાં ટ્રેનની અડફેટે એક સિંહણનું મોત નીપજ્યું હતું.23 નવેમ્બર: જેતપુર નજીક સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે બે સિંહણોના ટ્રેન અકસ્માતમાં મોત થયા છે.

કરોડોના ખર્ચ છતાં સિંહોની સુરક્ષા માત્ર કાગળ પર? ઉઠ્યા સળગતા સવાલો

એશિયાટિક સિંહોના સંરક્ષણ અને રેલવે ટ્રેક પર તેમની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાના દાવા કરવામાં આવે છે. તેમ છતાં માત્ર 10 દિવસના અંતરમાં ત્રણ સિંહણોના ટ્રેન અકસ્માતમાં મોત થતાં તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે:રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષામાં ક્યાં રહી ખામી? ટ્રેકિંગ સિસ્ટમ અને પેટ્રોલિંગ હોવા છતાં સિંહણો પાટા પર આવી ગઈ ત્યાં સુધી વન વિભાગ અને રેલવે તંત્ર કેમ અજાણ રહ્યું?વન વિભાગ અને રેલવેની જવાબદારી કોણ લેશે? વારંવાર બનતી આવી ઘટનાઓમાં બંને વિભાગો વચ્ચેના સંકલનના અભાવની જવાબદારી કોણ નક્કી કરશેસિંહોના મોત માટે જવાબદારો સામે કાર્યવાહી ક્યારે? શું માત્ર કાગળ પર તપાસ થશે કે પછી ફરજમાં બેદરકારી દાખવનારા જવાબદારો સામે કોઈ નક્કર પગલાં લેવાશે?શું સિંહોની સુરક્ષા માટેની વ્યવસ્થા માત્ર કાગળ પર છે? કરોડો રૂપિયાના બજેટની ફાળવણી છતાં જમીની સ્તરે સાવજોના જીવ કેમ બચાવી શકાતા નથી, તેવો સવાલ આજે દરેક વન્યજીવ પ્રેમી પૂછી રહ્યો છે.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: પોળોમાં 25 વર્ષમાં 5,000થી વધુ હેરિટેજ મકાનો ગાયબ, 10 વર્ષમાં 6 વોર્ડમાં 2,057 ગેરકાયદે બાંધકામો ખડકાયા