જૂનાગઢના ગીર પશ્ચિમ વન વિભાગ હેઠળ આવતા દાતરાણા ગામમાં દીપડાના હુમલામાં 7થી 8 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. 8 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 7:30 વાગ્યે કેંડીપુરા રાઉન્ડની હદમાં આવેલી વાડીમાં મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવેલા પરિવારના બાળક દીવરાજ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીપડો બાળકને ઢસડી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છે.

બાળકના મૃતદેહની શોધ દરમિયાન દીપડો ફરી સામે આવ્યો

ગામના સરપંચે ઘટનાની જાણ કરતાં વન વિભાગનો સ્ટાફ 10થી 15 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બાળકના મૃતદેહને કબજે કરી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, મૃતદેહની શોધખોળ દરમિયાન દીપડો ફરી સામે આવ્યો હતો. 

2 રાહદારીઓને પણ ઈજા પહોંચાડી 

ભાગતી વખતે તેણે અન્ય 2 રાહદારીઓને પણ ઈજા પહોંચાડી હતી. તેમાંથી એક વાહનચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં દીપડાનો ત્રાસ વધ્યો છે. અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાના દાવા સાથે ગ્રામજનો વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. દીપડાના ભયને કારણે ખેડૂતો માટે ખેતરમાં જવું અને શ્રમિકોને કામે મોકલવું મુશ્કેલ બન્યું હોવાની ફરિયાદો પણ સામે આવી છે.

દીપડાને પકડવા 8 પાંજરાં ગોઠવાયાં

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડેડાકડી, દેવડિયા, માળિયા, સાસણ અને વિસાવદર રેન્જનો કમાન્ડો સ્ટાફ તેમજ પશુચિકિત્સકોની ટીમને કામગીરીમાં જોડવામાં આવી છે. સમગ્ર વિસ્તારનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દીપડાને ઝડપી પાડવા માટે ઘટનાસ્થળે આશરે 8 પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. વન વિભાગનો સ્ટાફ આખી રાત તૈનાત રહી શોધખોળ કરી રહ્યો છે.

પરિવારને રૂ. 10 લાખના વળતરની પ્રક્રિયા

વહીવટી તંત્ર દ્વારા નિયમ મુજબ મૃતક બાળકના પરિવારને રૂ. 10 લાખનું વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, બાળકના મોત બાદ ગ્રામજનોમાં વન વિભાગ સામે નારાજગી જોવા મળી રહી છે. હવે દીપડાને પકડવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા તંત્ર કેવાં પગલાં લે છે તે જોવું રહ્યું.  


આ પણ વાંચો :      Ayodhya Deepotsav 2026 : રામ કી પૈડી ઘાટ દીવડાઓની રોશનીથી ઝળહળ્યો, 30 લાખ દીવડા પ્રગટાવાયા