જૂનાગઢ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, જે હવે વાહનચાલકો માટે કાળસમાન બની રહ્યો છે. કેશોદ-માંગરોળ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને રસ્તામાં અચાનક આખલો આડે આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, બાઈકસવાર રોડ પર ફેંકાઈ ગયા હતા, અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિની ઓળખ નિવૃત્ત કર્મચારી માધાભાઈ રાવલિયા તરીકે થઈ છે. ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન જ માધાભાઈ રાવલિયાનું કમનસીબ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
