જૂનાગઢના ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર ક્ષેત્રમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ગિરનારની પવિત્ર પાંચ ટૂંક ઉપર વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું અમલી કરી દેવામાં આવ્યું છે.આ વિસ્તારની ગરિમા જળવાય અને કોઈ પણ સ્તરે ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે.
ગિરનારમાં પાંચ ટૂંક માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જાહેરનામા અનુસાર,ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા,વિવાદાસ્પદ ભાષણો આપવા તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વિના લાઉડ સ્પીકર કે અન્ય વાજિંત્રો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત સમગ્ર ભવનાથ અને ગિરનાર ટૂંક પર કોઈ પણ વ્યક્તિ ઘાતક હથિયારો સાથે રાખી શકશે નહીં.યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક શાંતિ ભંગ ન થાય તે માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.
