જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને વિવાદ ગરમાયો છે. માંગરોળના દિવાસા ગામે પશુઓ માટે અનામત રાખવામાં આવેલી ગૌચરની જમીન પર મોટા પાયે ગેરકાયદે ખાણકામ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ પ્રવૃત્તિને કારણે ગામના પર્યાવરણ અને પશુપાલન પર નિર્ભર ગ્રામજનોના હિતને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
આસપાસના ગામોમાં પણ ખાણો ધમધમી
આ વિવાદ માત્ર દિવાસા ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ માંગરોળના અન્ય વિસ્તારો જેવા કે ખોડાદા અને આંત્રોલી ગામમાં પણ આવી ગેરકાયદે ખાણો બેફામ રીતે ધમધમતી હોવાનું સામે આવ્યું છે.

સરકારી નિયમોના લીરેલીરા ઉડાડીને ચાલી રહેલા આ ખનન કાર્યને લીધે સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરપંચની આગેવાનીમાં કડક એક્શનની માગ
ગેરકાયદે પ્રવૃત્તિઓ હદ વટાવી જતાં દિવાસા ગામના સરપંચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સરપંચ દ્વારા આ સમગ્ર કૌભાંડ અંગે ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોએ એકસૂરે માગ કરી છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં તપાસ કરવામાં આવે અને ગેરકાયદે ખાણકામ કરનારા જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો - Junagadh News: ગિરનાર પર નિર્વાણ લાડુ ઉત્સવ, 400થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત