જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં જનપ્રતિનિધિ દ્વારા આચરવામાં આવેલા શરમજનક અને કાળી ટીલી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્ય સુભાષ ભાદરકાએ એક 16 વર્ષીય અલ્પવયસ્ક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયકંપાવનારી વિગતો સામે આવી છે.
તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝડપાયો
સગીરા પર થઈ રહેલા અત્યાચાર અંગે જાણ થતાં પીડિતાની માતાએ હિંમત દર્શાવી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આરોપી સુભાષ ભાદરકા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.પીડિતાની માતાની ફરિયાદના આધારે મેંદરડા પોલીસે કાયદાનો શિકંજો કસતાં ગંભીર કલમો તેમજ સગીરો પરના લૈંગિક અપરાધ નિવારણ કાયદા (POCSO Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી મેંદરડા પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સુભાષ ભાદરકાની ધરપકડ કરી લીધી છે.
