જૂનાગઢ શહેરમાં ચોમાસાનો હજુ તો પ્રારંભ થયો છે, ત્યાં જ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના લીરેલીરા ઊડી ગયા છે. શહેરના ઓઘડનગર પંથકમાં ગટર અને રસ્તાના નબળા કોન્ટ્રાક્ટના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ અહીં ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ભ્રષ્ટ નીતિના કારણે રોડનું રિસરફેસિંગ કે પુરાણ વ્યવસ્થિત કરવામાં આવ્યું ન હતું.

ખાડો ખોદે કોઈ અને પડે કોઈ
https://www.instagram.com/reel/DaR-R1jHaX-/?utm_source=ig_web_button_share_sheet
પાણીની ચાદર નીચે છુપાયેલો મોતનો સામાન

છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઓઘડનગરના આ અડધા ખોદાયેલા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તો સમથળ દેખાતો હોવાના કારણે વાહનચાલકો સામાન્ય ગતિએ ત્યાંથી પસાર થાય છે, પરંતુ જેવો તેમનો વ્હીલ ગટરના એ શંકાસ્પદ ખાડા પર પહોંચે છે કે તરત જ આખું વાહન પલટી ખાઈ જાય છે. ઓઘડનગરમાં આ પ્રકારે એક જ સ્થળે માત્ર ગણતરીના કલાકોમાં ચાર અલગ-અલગ વાહનચાલકો જોરદાર રીતે પટકાયા હતા. સદનસીબે સ્થાનિક લોકો આસપાસ હાજર હોવાથી તેમણે તાત્કાલિક દોડીને ખાડામાં ખાબકેલા મહિલા અને પુરુષ વાહનચાલકોને બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

CCTV વાયરલ થતાં તંત્ર દોડતું થયું

આ આખી હૃદયકંપાવનારી ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મનપાની લાપરવાહી નિર્દોષ નાગરિકોના હાડકાં તોડવાનું કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફૂટેજ વાયરલ થયા બાદ જૂનાગઢની જનતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે "ખાડો ખોદે કોઈ અને પડે કોઈ!" ટેક્સના કરોડો રૂપિયા ચૂકવવા છતાં જનતાને આવા બિસ્માર રસ્તા અને હોસ્પિટલના ખાટલા જ નસીબ થતા હોય, તો આ તંત્ર શા કામનું? હાલમાં લોકોના ભારે વિરોધને જોતાં મનપાની ટીમ દોડતી થઈ છે, પરંતુ કાયમી ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે.

આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વર ડિમોલેશન કૌભાંડમાં ગાંધીનગરના આંટાફેરા બાદ મેયર-કમિશનરના સૂર બદલાયા, 'ખોટા ચૂકવાયેલા પૈસા પરત નહીં મળે' તેવું કહી હાથ ખંખેર્યા