વરસાદી ઋતુમાં ગીરનું સુંદર વાતાવરણ અનેક પ્રાકૃતિક દ્રશ્યો સર્જે છે, ત્યારે જુનાગઢ નજીક ગીર જંગલના સરખડીયા હનુમાન મંદિર જવાના રસ્તે સિંહોની લટાર જોવા મળી હતી. ચોમાસાની મજા માણતા અને જંગલના રસ્તા પર મુક્તપણે ફરતા વનરાજોને જોઈને ત્યાંથી પસાર થતા યાત્રાળુઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે જંગલના આ મનોરમ્ય દ્રશ્યોએ પર્યટકો અને શ્રદ્ધાળુઓનું મન મોહી લીધું હતું.
ખાબોચિયામાં તરસ છીપાવતા વનરાજો
રસ્તા પરથી પસાર થતી વખતે વરસાદને કારણે ભરાયેલા પાણીના ખાબોચિયામાંથી બંને સિંહો નિરાંતે પાણી પીને પોતાની તરસ છીપાવતા નજરે પડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા યાત્રાળુઓએ આ ડાલામથ્થાના પ્રત્યક્ષ દર્શન કરવાનો અદ્ભુત લહાવો લીધો હતો. સુરક્ષિત અંતર જાળવીને લોકોએ વનરાજના આ અદભુત નજારાને પોતાના કેમેરામાં પણ કંડારી લીધો હતો.
