જૂનાગઢની ડૉ. સુભાષ યુનિવર્સિટીમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં હોસ્ટેલના મેસમાં અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. હોસ્ટેલમાં અવારનવાર પીરસવામાં આવતા હલકી ગુણવત્તાવાળા અને અશુદ્ધ ખોરાકને કારણે કેટલીક છાત્રાઓની તબિયત લથડી હોવાના અહેવાલો પણ મળ્યા છે. પોતાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ખીલવાડને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશનો વિસ્ફોટ થયો હતો અને તેમણે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

ABVPનો વિરોધ અને કર્મચારીઓ સાથે ઘર્ષણ

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યો પણ વાલીઓ અને છાત્રોના સમર્થનમાં આગળ આવ્યા હતા. જોકે, વિરોધ પ્રદર્શન દરમિયાન યુનિવર્સિટીના કર્મચારીઓ અને ABVPના કાર્યકરો વચ્ચે તીખી બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક તાલુકા પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લઈને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ સમગ્ર બબાલ અને ભોજનમાંથી નીકળેલી ઈયળના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે બાદ તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોને પગલે વાલીઓમાં પણ ભારે ચિંતા અને યુનિવર્સિટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા યુનિવર્સિટી સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને હોસ્ટેલની ભોજન વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Lakhtar-વિરમગામ હાઈવે પર નદી જેવા દ્રશ્યો સર્જાયા: મફતીયાપરા દલિતવાસમાં પૂરના પાણી ઘૂસ્યા