સૌરાષ્ટ્રમાં લાંબા સમયના વિરામ બાદ બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ પુનઃ આગમન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ધાવા, રમરેચી, ચિત્રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમય પછી પડેલા આ વરસાદથી સુકાઈ રહેલા ચોમાસુ પાકોને નવજીવન મળતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લહેર ફરી વળી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું ધમાકેદાર પુનઃ આગમન
બીજી તરફ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ અને ચક્રવાતી પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોર પછીના સમયગાળામાં તરસીંગડા, અમરાપુર, વિરડી અને માતવાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે પવનના લીધે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેનાથી થોડો સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો.
