અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ થવાથી નાગરિકો અને નોકરિયાતો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા અત્યંત સુલભ બની છે. જોકે, તેની સાથે જ એક નવી મુશ્કેલી ઊભી થઈ હતી. મેટ્રોમાં મુસાફરી કરનારા અનેક લોકો પોતાના ખાનગી વાહનો લઈને મેટ્રો સ્ટેશન સુધી આવતા હોય છે અને ત્યાં વાહન પાર્ક કરીને મેટ્રો મારફતે પોતાની નોકરી કે ધંધાના સ્થળે જતા હોય છે. યોગ્ય પાર્કિંગ સુવિધાના અભાવે મેટ્રો સ્ટેશન નીચે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, તેમજ વાહનો રસ્તા પર પાર્ક કરવાથી ચોરાવાની કે નુકસાન થવાની શક્યતાઓ રહેતી હતી.

અમદાવાદમાં મેટ્રો મુસાફરો માટે AMC નો મોટો નિર્ણય

આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. મનપાએ શહેરના 9 મુખ્ય મેટ્રો સ્ટેશનોની નજીક આવેલા પ્લોટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ પ્લોટમાં હાલ તમામ મુસાફરો અને નાગરિકો માટે બિલકુલ 'ફ્રી પાર્કિંગ'ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી મેટ્રોમાં મુસાફરી કરતા હજારો લોકોને દૈનિક ધોરણે મોટો ફાયદો થશે.

9 મેટ્રો સ્ટેશન નજીક ફાળવાયા ફ્રી પાર્કિંગ પ્લોટ

જે 2 સ્થળોએ નજીકમાં પ્લોટ શક્ય નહોતા બનતા, ત્યાં મનપા દ્વારા રોડ સાઇડની જગ્યામાં પાર્કિંગ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ એકસાથે 6,500થી વધારે ટુ-વ્હીલર અને 500 થી વધારે ફોર-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકશે. આયોજનબદ્ધ પાર્કિંગના કારણે મેટ્રો સ્ટેશનો નીચે થતો ટ્રાફિકનો ભરાવો દૂર થશે અને વાહન ચોરીના ભયમાંથી પણ મુસાફરોને મુક્તિ મળશે.

આ પણ વાંચો: Surat: ક્રિપ્ટો ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી રત્નકલાકાર સાથે 39.65 લાખની ઠગાઈ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો