જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેચાતા અને વાહનોને નુકસાન પહોંચાડતા શંકાસ્પદ બાયોડીઝલના કાળા કારોબાર સામે મહેસૂલ અને પુરવઠા વિભાગે લાલઆંખ કરી છે. વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક આવેલ 'દસ્તક બાયોડીઝલ પેટ્રોલિયમ' નામના પંપ પર કોઈ પણ માન્ય પરવાનગી વગર ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળતાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.

બાયોડીઝલ પંપ પર ઓચિંતો સરપ્રાઈઝ દરોડો

વંથલીના પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે કણજાધાર સ્થિત આ બાયોડીઝલ પંપ પર ઓચિંતો સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. સરકારી અધિકારીઓની ગાડીઓ જોઈને પંપના સંચાલકોમાં ભારે ધમાચકડી અને દોડધામ મચી ગઈ હતી. દરોડા દરમિયાન તપાસ હાથ ધરતાં પંપ પરથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ પરથી અંદાજે 10,000લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈંધણ ભરવા માટે વપરાતી ડિસ્પેન્સિંગ નોઝલ, પંપ મશીન અને સ્ટોરેજ ટેન્ક સહિત કુલ રૂ.10 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો 

પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સમગ્ર દસ્તક બાયોડીઝલ પંપને સીલ મારી કાયદેસરની પ્રોસેસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા કેમિકલ/પેટ્રોલિયમ પદાર્થની ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરી સેમ્પલિંગ લેવામાં આવ્યું છે. આ ગેરકાયદે પંપ કોના દ્વારા અને ક્યાંથી બાયોડીઝલનો જથ્થો મેળવીને ચલાવવામાં આવતો હતો તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: ગુનાખોરી ડામવા ઝોન-1 અને 2 માં હાથ ધરાયું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદો અને વાહનોનું સઘન કોમ્બિંગ