જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં માનવ અને વન્યજીવ સંઘર્ષની અત્યંત દુઃખદ ઘટના બાદ વન વિભાગને મોટી સફળતા મળી છે. વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા 55 વર્ષીય ખેડૂત પર અચાનક હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ છે.
ખેતરમાં કામ કરતા ખેડૂત પર સિંહણ ત્રાટકતા ઘટનાસ્થળે જ થયું હતું મોત
મળતી વિગતો અનુસાર, વિસાવદર તાલુકાના રબારીકા ગામની સીમમાં એક 55 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક સિંહણે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. સિંહણના અચાનક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ખેડૂતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર રબારીકા ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી તેમજ મૃતક ખેડૂતના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
