ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે લેવાયેલી TAT-HS (ટાટ હાયર સેકન્ડરી) ની પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં TAT-HS ના ઉમેદવારો એકઠા થઈને ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
બોર્ડના જવાબોથી ઉમેદવારોમાં ભારે અસંતોષ
મળતી વિગતો અનુસાર, ઉમેદવારો દ્વારા ગત સપ્તાહે રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ આવેદનપત્ર આપીને પરીક્ષા અને પરિણામ સંબંધિત 7 મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કેટલાક મુદ્દાઓના જવાબ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ઉમેદવારોનું કહેવું છે કે બોર્ડના આ જવાબોથી અમને સંપૂર્ણ અસંતોષ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પેપર 1 અને 2 ના માર્ક જાહેર
ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પેપર 1 અને 2 ના માર્ક જાહેર કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ તે ક્યારે જાહેર કરાશે તેનો કોઈ ચોક્કસ સમય આપવામાં આવતો નથી. આ ઉપરાંત, સૌથી મહત્વની એવી પુનઃમૂલ્યાંકનની માંગ અંગે બોર્ડ દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી.
PhD થયેલા ઉમેદવારોને પણ ઓછા માર્ક મળ્યાનો આક્ષેપ
સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ પરીક્ષાના પરિણામમાં ઉમેદવારો સાથે ઘોર અન્યાય થયો છે અને જાણીજોઈને ઉમેદવારોના માર્ક ઓછા આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઉચ્ચ લાયકાત ધરાવતા PhD થયેલા ઉમેદવારોને પણ અન્યાય થયો છે અને તેમને પણ અત્યંત ઓછા માર્ક મળ્યા છે.
પુનઃમૂલ્યાંકન થશે તો તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે
ઉમેદવારોએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ઉમેદવારોનો વિરોધ ન સહન કરવો પડે તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રજાઓ પહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ઉમેદવારોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે તો તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. આ સાથે જ પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઉમેદવારોની ઉત્તરવહી જાહેર કરવામાં આવે તેવી બુલંદ માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Jamnagar: નશીલા પદાર્થો અંગે દરોડા દરમિયાન પોલીસ પર હુમલો! બાલાજી પાર્ક-3 વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના કર્મચારી પર 4 શખ્સો તૂટી પડ્યા