મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બલાસર ગામે પશુઓની ક્રૂરતાપૂર્વક કતલ કરવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.બલાસર ગામની કોલોનીમાંથી અજાણ્યા કસાઈઓ દ્વારા 3 જેટલી ભેંસોની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગામના તળાવ કિનારે લઈ જઈને આ અબોલ પશુઓની નિર્મમ કતલ કરી દેવાઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે.
ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ
આ સંવેદનશીલ ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા તાત્કાલિક ગામના આગેવાનો સાથે બલાસર ગામે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.કડી પંથકમાં અવારનવાર પશુઓની ચોરી અને હત્યાના બનાવો સામે આવતા ધારાસભ્ય ભારે આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે,આવી અમાનવીય ઘટનાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.અબોલ પશુઓ પર અત્યાચાર કરનારા તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવશે.
