ગુજરાતમાં ગત વર્ષે વરસાદ ખેંચાયો હોય તેવા છ જિલ્લામાં રાજ્ય સરકારે આઠ કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો. હવે આ વર્ષે પણ અલનીનોની સ્થિતિને કારણે ચોમાસુ રાજ્યમાં વિલંબથી પહોંચે તેવી સ્થિતિ છે. હાલમાં કાળઝાળ ગરમીમાં જળાશયોમાં પણ પાણી સુકાઈ રહ્યાં છે. ત્યારે ખેડૂતોના પાક સુકાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર લખીને સિંચાઈનું પાણી અને વીજળી આપવા માગ કરી છે.  


નર્મદા પાણીથી તળાવો ભરવાની માંગ

ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે.આ પત્રમાં જણાવાયું છે કે,જો આગામી દિવસોમાં ખેતી પાકને પૂરતું પાણી નહીં મળે તો મોટું નુકસાન થઈ શકે તેમ છે.ખેડૂતોની આર્થિક સ્થિતિ અને મહેનત એળે ન જાય તે માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય બન્યા છે.ગરમીમાં સુકાઈ રહેલા પાકને બચાવવા માટે નર્મદા નહેરના પાણીનો ઉપયોગ કરી સ્થાનિક સ્તરે ગામડાના તળાવો અને ચેકડેમો ભરી દેવામાં આવે જેથી કટોકટીના સમયે ખેડૂતો સિંચાઈ કરી શકે.

8ને બદલે 10 કલાક વીજળી આપવાની માગ

હાલમાં ખેડૂતોને ખેતીવાડી માટે રોજના 8 કલાક વીજળી આપવામાં આવે છે.કિસાન સંઘે વિનંતી કરી છે કે આ કપરા સમયમાં વીજ પુરવઠો વધારીને 8 કલાકના બદલે 10 કલાક કરવામાં આવે જેથી ખેડૂતો કૂવા કે ટ્યુબવેલ મારફતે પાકને સમયસર સિંચાઈનું પાણી આપી શકે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને વાવણી તો કરી દીધી છે.હવે વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.જો સરકાર વીજળી અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપે તો ખેડૂતોએ વાવેલો પાક બચી શકશે.

આ પણ વાંચોઃ Valsad News: જમીન ભરખી ગયો દરિયો, મોટી દાંતી ગામના અસ્તિત્વના તોળાઈ રહ્યું છે સંકટ



  • Follow us on: