દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલું મોટી દાંતી ગામ આજે તેના ઇતિહાસના સૌથી મોટા અસ્તિત્વના સંકટ સામે લડી રહ્યું છે. દરિયાના સતત વધી રહેલા કાટ અને મોજાઓના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો હેક્ટર જમીન દરિયાની ગર્તામાં ગરકાવ થઈ ગઈ છે.
એક સમયે જે જમીન પર ખેડૂતો સોનું પકવતા હતા અને જે વિસ્તાર લીલાછમ પાકથી લહેરાતો હતો, તે આજે માત્ર દરિયાના ખારા પાણીનો ભોગ બની ચૂક્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અંદાજે 348 હેક્ટર જેટલી ફળદ્રુપ અને ખેતીલાયક જમીન સંપૂર્ણપણે દરિયામાં સમાઈ ગઈ છે, જેનાથી અનેક પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે.
કાગળ પર જમીન, વાસ્તવમાં દરિયો
મોટી દાંતી ગામના ખેડૂતો અત્યારે એક અજીબોગરીબ વહીવટી વિસંગતતાનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે, તેમની જમીનો ભૌતિક રીતે નષ્ટ થઈ ગઈ હોવા છતાં, સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ્સમાં તે આજે પણ તેમના નામે જ બોલે છે.

ખેડૂતોના હાથમાં માત્ર જમીનની 7/12ની નકલો જ રહી ગઈ છે, જ્યારે વાસ્તવિક જમીન પર દરિયાના મોજાં ફરી વળ્યા છે. આ ટેકનિકલ ગૂંચવણના કારણે અસરગ્રસ્તોને સરકાર તરફથી મળનારી કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ સહાય કે યોગ્ય વળતર મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રોટેક્શન વોલ નહીં બને તો વધુ 10 થી 15 ગામો ડૂબશે!
ગામલોકો વર્ષોથી આ ભયાનક દરિયાઈ ધોવાણને અટકાવવા માટે એક મજબૂત અને કાયમી પ્રોટેક્શન વોલ બનાવવાની માગ કરી રહ્યા છે. જે સામે તંત્ર દ્વારા માત્ર અધૂરી કે ટૂંકી કામગીરી કરીને સંતોષ માની લે છે. જે કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જો આ અધૂરી પ્રોટેક્શન વોલને વહેલી તકે મોટી અને મજબૂત કરવામાં નહીં આવે, તો કાંઠાના 4 થી 5 ગામો તો તબાહ થશે જ, પરંતુ આવનારા દિવસોમાં આસપાસના 10 થી 15 જેટલા ગામોના અસ્તિત્વ સામે પણ મોટું જોખમ ઊભું થઈ જશે. મોટી દાંતી ગામની આ વેદના દરિયાકાંઠાના તમામ વિસ્તારો માટે એક મોટી લાલબત્તી સમાન છે. હવે જોવાનું એ રહેશે કે, શું તંત્ર સમયસર જાગીને કોઈ કાયમી ઉકેલ લાવશે?
આ પણ વાંચો - Valsad: ઉમરગામના ભીલાડ હાઇવે પર કારને ટ્રકે ફંગોળી, 1 મહિલાનું મોત