ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલી શિવકુંજ સોસાયટીમાં રહેતા રમેશકુમાર ગોરેલાલ સાહુના પુત્ર શિવમે એક મહિના અગાઉ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના મુહારી ગામની નંદની લોધી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન સામે યુવતીના પરિવારજનોને ભારે વાંધો હતો. સ્થાનિક પોલીસ મથકે હાજર થયા બાદ યુવક પોતાની પત્નીને લઈને છત્રાલ ખાતે પિતાના ઘરે આવી ગયો હતો અને પિતા સાથે નોકરીએ જતો હતો.
છત્રાલમાં પ્રેમલગ્નની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ
ગત સાંજના સુમારે શિવમ અને તેના પિતા રમેશકુમાર સાહુ નોકરી પર જવા નીકળ્યા ત્યારે મધ્યપ્રદેશથી કાર લઈને આવેલા યુવતીના પિતા હરિનિવાસ લોધી અને તેના માણસોએ બંને પિતા-પુત્રનું રસ્તામાંથી બળજબરીપૂર્વક અપહરણ કરી લીધું હતું. પિતા-પુત્રનું અપહરણ કર્યા બાદ આરોપીઓ રાત્રે ૧૧:૩૦ વાગ્યે શિવકુંજ સોસાયટીમાં યુવકના ઘરે પહોંચ્યા હતા. મકાનની પાછળની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસેલા શખ્સોએ યુવતીનું બળજબરીથી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી છટકીને બહાર આવી જતાં અને બૂમાબૂમ કરતાં આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં અને સ્થાનિકોએ પોલીસને ફોન કરતાં તમામ અપહરણકર્તાઓ ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા.
