કરજણમાં એચપી ગેસ એજન્સીની કામગીરી સામે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગેસનું કેવાયસી કરાવવા માટે એજન્સીની ઓફિસે પહોંચેલા ગ્રાહકોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. નવાબજાર વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીની ઓફિસ બંધ હોવાથી 15થી 20 જેટલા ગ્રાહકો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા હતા.
ઓફિસ બંધ, ગ્રાહકો કલાકો સુધી રાહ જોતા રહ્યા
ગેસનું કેવાયસી કરાવવા આવેલા ગ્રાહકો એજન્સીની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ જોવા મળી હતી. લાંબા સમય સુધી રાહ જોવા છતાં કામગીરી શરૂ ન થતાં ગ્રાહકોમાં નારાજગી ફેલાઈ હતી. ગ્રાહકોના જણાવ્યા મુજબ, પાછળના દરવાજેથી જતાં તેમની સાથે તોછડું વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
100 નંબર પર ફોન કરતાં 112ની ટીમ પહોંચી
આખરે કંટાળેલા ગ્રાહકોએ 100 નંબર પર ફોન કરતાં 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી. એજન્સીની કામગીરી અને ગ્રાહકોને પડતી મુશ્કેલીને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો.
કરજણ સહિત 99 ગામો માટે એક જ ગેસ એજન્સી
કરજણ શહેર સહિત આસપાસનાં 99 ગામો વચ્ચે માત્ર એક જ ગેસ એજન્સી હોવાની સ્થિતિ છે. આવી સ્થિતિમાં ગેસ સંબંધિત કામગીરી માટે ગ્રાહકોને એક જ એજન્સી પર આધાર રાખવો પડે છે. બીજી તરફ, એજન્સીની ઓફિસ બંધ રહેતાં ગ્રાહકોની મુશ્કેલી વધી રહી છે.
બોર્ડ પર સમય 8થી 8, તો ઓફિસ બંધ કેમ?
ગ્રાહકોએ એજન્સીની કામગીરી સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે ઓફિસના બોર્ડ પર સમય સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધીનો દર્શાવવામાં આવ્યો છે, તો પછી ઓફિસ બંધ કેમ રાખવામાં આવે છે? ગ્રાહકોને ગેસની સુવિધા આપવાની છે કે ધરમધક્કા ખવડાવવાના છે તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.
તંત્ર તપાસ કરી જવાબદારી નક્કી કરે તેવી માગ
સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ગ્રાહકોને પડતી મુશ્કેલી માટે જવાબદારી નક્કી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.
આ પણ વાંચો : Delhi Policeનું સુપ્રીમમાં સોગંદનામું, પત્રકારોને કામ કરતા રોક્યા નથી, રીલ બનાવનારાઓને કાયદામાંથી મુક્તિ નહીં