દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન પત્રકારોને રિપોર્ટિંગ કરતા રોકવાના આક્ષેપો સામે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. પોલીસે જણાવ્યું કે તેમણે પત્રકારોને તેમનું વ્યાવસાયિક કામ કરતા રોકવાનો કોઈ ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો નથી અને કોર્ટની ખાતરીનું સંપૂર્ણ પાલન થયું છે. આ ઉપરાંત કોર્ટના આદેશો રીલ બનાવનારા કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સામાન્ય કાયદામાંથી મુક્તિ આપતા નથી.
સમગ્ર પ્રદર્શનનું સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કવરેજ
દિલ્હી પોલીસે પોતાના સોગંદનામામાં રજૂઆત કરી હતી કે મુખ્ય પ્રવાહના, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક મીડિયાના પત્રકારો દ્વારા સમગ્ર પ્રદર્શનનું સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કવરેજ કરવામાં આવ્યું હતું. આ કવરેજમાં માન્યતા પ્રાપ્ત અને બિનમાન્યતા પ્રાપ્ત બંને શ્રેણીના પત્રકારો જોડાયેલા હતા. પોલીસે વધુમાં દલીલ કરી હતી કે પ્રદર્શન સ્થળોના સીસીટીવી ફૂટેજ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી વીડિયોગ્રાફી પરથી સ્થળ પર મીડિયાની પ્રત્યક્ષ હાજરી અને કવરેજ સુનિશ્ચિત રીતે સાબિત થાય છે. આ આંદોલનના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અને વિવિધ પ્રાદેશિક મીડિયા ગૃહોમાં વ્યાપકપણે પ્રકાશિત અને પ્રસારિત થયા છે, તેથી મીડિયાકર્મીઓને ઘટનાસ્થળે જતા કે રિપોર્ટિંગ કરતા રોકવામાં આવ્યા હોવાનો આરોપ વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે.
કન્ટેન્ટ ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવનારા લોકો પણ ઉમટી પડ્યા
જોકે, પોલીસે કોર્ટ સમક્ષ એ બાબત પણ રેખાંકિત કરી હતી કે પ્રદર્શન દરમિયાન કેટલાક દેખાવકારો વાસ્તવમાં પત્રકારો નહોતા, પરંતુ તેઓ કેમેરા અને માઇક લઈને પોતાની જાતને પત્રકાર તરીકે દર્શાવી રહ્યા હતા. આ સ્થળ પર મોટી સંખ્યામાં યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવનારા લોકો પણ ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થળ પર કાયદો અને વ્યવસ્થા સંભાળી રહેલા પોલીસકર્મીઓ માટે વાસ્તવિક પત્રકારો અને માત્ર કન્ટેન્ટ બનાવનારાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત કરવો અત્યંત મુશ્કેલ બની ગયો હતો.
રીલ બનાવનારા લોકોને પણ સામાન્ય સંજોગોમાં રોકવામાં આવ્યા નહોતા
પોલીસે જણાવ્યું કે રીલ બનાવનારા લોકોને પણ સામાન્ય સંજોગોમાં રોકવામાં આવ્યા નહોતા, પરંતુ જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી હોય તેવા સંજોગોમાં જ દરમિયાનગીરી કરવામાં આવી હતી. આ બાબતના સમર્થનમાં પોલીસે એક મહિલાનો વીડિયો પણ સોગંદનામા સાથે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો છે. આ મહિલા પાસે પ્રેસ કાર્ડ અને માઇક ઉપલબ્ધ હતા અને તેણે પોતાની ઓળખ એક વિદ્યાર્થિની તેમજ પત્રકાર તરીકે આપી હતી, પરંતુ બાદમાં તેણે પોતે સ્વીકાર્યું હતું કે તે હજુ પત્રકાર બની નથી અને તે પ્રદર્શનના સમર્થનમાં ત્યાં હાજર રહી હતી.
જાણીજોઈને પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ
આ ઉપરાંત પોલીસે અન્ય એક વીડિયોનો સંદર્ભ આપીને જણાવ્યું કે સ્થળ પર હાજર એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે કેટલાક યુટ્યુબર્સ અને મીડિયાકર્મીઓ કન્ટેન્ટ બનાવવા માટે જાણીજોઈને પોલીસકર્મીઓ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા હતા. દિલ્હી પોલીસે પોતાના દાવાઓના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં બે ઇન્સ્ટાગ્રામ વીડિયો રેકોર્ડિંગ પણ રજૂ કરી છે અને પત્રકારો તથા સોશિયલ મીડિયા ક્રિએટર્સ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે.
પ્રત્યેક વ્યક્તિની ઓળખ પત્રકાર તરીકે કરવી પોલીસકર્મીઓ માટે હંમેશા શક્ય નહોતી
પોલીસ તંત્ર દ્વારા કેમેરા લઈને આવતા લોકોને ઓપરેશનલ એરિયાથી યોગ્ય અંતર જાળવી રાખવા અને જ્યાં પોલીસ કાયદો તેમજ વ્યવસ્થા સંભાળી રહી હોય તેવા સંવેદનશીલ સ્થળોની નજીક ન આવવા માટે વારંવાર સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રદર્શન સ્થળ પર પ્રદર્શનકારીઓની ભારે ભીડ અને ઉપસ્થિત લોકોની વિશાળ સંખ્યાને કારણે પ્રત્યેક વ્યક્તિની ઓળખ પત્રકાર તરીકે કરવી પોલીસકર્મીઓ માટે હંમેશા શક્ય નહોતી.
માત્ર ગેરકાયદે પ્રદર્શન સ્થળો પરથી પ્રદર્શનકારીઓને હટાવવાનો ઉદ્દેષ્ય
સોગંદનામામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પોલીસ કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર ગેરકાયદે પ્રદર્શન સ્થળો પરથી પ્રદર્શનકારીઓને હટાવવાનો અને જાહેર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો હતો, પત્રકારોને તેમની વ્યાવસાયિક ફરજ બજાવતા રોકવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. જો ક્યાંય કોઈ પત્રકારને ભૂલથી પ્રદર્શનકારી સમજી લેવામાં આવ્યા હોય અથવા તો તેમના રિપોર્ટિંગ કાર્યમાં કોઈ અડચણ ઊભી થઈ હોય, તો તે સંપૂર્ણપણે અજાણતાં, ખોટી ઓળખ કે ભીડ નિયંત્રણના ઉપાયોના કારણે બની હતી.
માત્ર પત્રકાર હોવાનો દાવો કરવાથી કોઈને કાયદામાંથી છૂટ મળી શકે નહીં.
દિલ્હી પોલીસે અદાલતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ નાગરિકના માહિતી મેળવવા, રિપોર્ટિંગ કરવા કે તેનું પ્રસારણ કરવાના કાયદેસરના અધિકાર પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. માત્ર પ્રેસ માન્યતા કે ઓળખપત્ર ન હોવાના કારણે કોઈ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રદર્શન સ્થળો પર મૂકવામાં આવેલા પ્રતિબંધો જાહેર શાંતિ માટેના કાયદેસર આદેશો હેઠળ હતા અને તે તમામ વ્યક્તિઓ પર સમાન રીતે લાગુ હતા. પોલીસનું કહેવું છે કે માત્ર પત્રકાર હોવાનો દાવો કરવાથી કોઈને કાયદામાંથી છૂટ મળી શકે નહીં.
આ પણ વાંચો : Kulgam: કુલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર કમાન્ડર લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર