જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓથી સતત ધમધમતો રહે છે. આ વ્યસ્ત હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવા માટે કેટલાક સ્થાનિક અને બહારના બાઈકર્સ જોખમી સ્ટંટ અને ઓવરસ્પીડિંગ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. તાજેતરમાં જ આવો એક જોખમી બાઈક રેસિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવકો સામાન્ય વાહનચાલકોની વચ્ચે જિંદગીના જોખમે પૂરપાટ ઝડપે બાઈક દોડાવતા અને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા.
સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટ્રાફિક શાખા તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે વીડિયો ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીને જોખમી ડ્રાઇવિંગ કરી રહેલા બાઈકર્સ અને તેમના વાહનોના રજીસ્ટ્રેશન નંબર ઓળખી કાઢ્યા હતા. ટ્રાફિક પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ભયજનક રીતે વાહન હંકારતા 4 સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા હતા.
