સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-વિજયનગર હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલા ગાલોડીયા બ્રહ્માણી ધાબા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ગુજરાત અને રાજસ્થાન પાસિંગના બાઇક વચ્ચે થઈ જોરદાર ટક્કર
મળતી વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા બંને બાઇકમાંથી એક બાઇક ગુજરાત પાસિંગનું અને બીજું બાઇક પડોશી રાજ્ય રાજસ્થાન પાસિંગનું હતું. હાઇવે પરથી પસાર થતી વખતે બંને બાઇક ચાલકોએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ ભયાનક ટક્કરમાં બંને બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
એકનું ઘટના સ્થળે જ મોત
આ ગમખ્વાર અકસ્માતમાં એક બાઇક સવારને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બાઇક સવાર પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, મૃતક અને ઇજાગ્રસ્ત વ્યક્તિ કોણ છે, તેની ઓળખ મેળવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Sabarkantha News: ખેડૂતોના પાકના રક્ષણ અને મેઘરાજાને મનાવવા બાળકો-શિક્ષકોની અનોખી પ્રાર્થના