સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ખેડબ્રહ્માના રોધરા ગામે આવેલા પટેલ હસમુખભાઈના ખેતરના કુવા પર સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન અચાનક જ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કુવાની અંદર કામ કરી રહેલો એક શ્રમિક અચાનક ઊંડા કુવામાં ખાબક્યો હતો.
વાસણા ગામના 32 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો
આ કરૂણ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકની ઓળખ વાસણા ગામના રહેવાસી 32 વર્ષીય વિનોદ ઠાકોર તરીકે થઈ છે. યુવક કુવામાં ખાબકતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો
ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ 32 વર્ષીય વિનોદ ઠાકોરના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. યુવકના મોતથી તેના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ખેડબ્રહ્મા પોલીસે આ અકસ્માતે થયેલા મોત અંગે આગળની વધુ કાયદેસરની તપાસ હાથધરી છે.
આ પણ વાંચો - Sabarkantha: દેરોલમાં એક્ટિવા ચાલકની લૂંટ અને હત્યાના કેસમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 10 જેલહવાલે