ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા હાથનોલી ગામના ખેડૂતો આજે ભારે આક્રોશ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.ગત 31 જુલાઈના રોજ પડેલા ધોધમાર ભારે વરસાદના કારણે ગામના સીમ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જેનો આજે 13 દિવસ વિતી જવા છતાં કોઈ નિકાલ થયો નથી.ગામની આશરે 250 વીઘા જેટલી ખેતીલાયક જમીન છેલ્લા બે અઠવાડિયાથી સંપૂર્ણપણે જળબંબાકાર સ્થિતિમાં ફેરવાઈ ગઈ છે.આ પરિસ્થિતિના કારણે ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેલો મોંઘોદાટ ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં નાશ પામ્યો છે.
13 દિવસથી ખેતરો જળબંબાકાર
ચોમાસાની શરૂઆતમાં જ મોટો આર્થિક ફટકો પડતાં નિરાશ થયેલા ખેડૂતો પોતાના હાથમાં પાણીમાં બગડેલી અને સડી ગયેલી ડાંગરના છોડ લઈને અધિક કલેક્ટરને રૂબરૂ મળવા પહોંચ્યા હતા.કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ પોતાની આપવીતી રજૂ કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા દરમિયાન યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે આ જ પરિસ્થિતિ સર્જાય છે.જેના કારણે તેમને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવે છે.ખેડૂતોએ અધિક કલેક્ટર સમક્ષ માગણી કરી હતી કે 250 વીઘા જમીનમાં ભરાયેલા પાણીના તાત્કાલિક નિકાલ માટે ડ્રેનેજ કે કન્સલ્ટિંગ કેનાલ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી ભવિષ્યમાં પણ ખેતીને આવું નુકસાન ન થાય.
