ખેડા જિલ્લાના ગળતેશ્વરથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગળતેશ્વર-સેવાલીયા રોડ પર લહેરીપૂરા નજીક એક મુસાફરોથી ભરેલી ખાનગી બસ અચાનક પલટી મારી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર 55થી વધુ મહિલાઓ અને બાળકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
બ્રેક ફેલ થવાના કારણે સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી વિગતો અનુસાર, આ ખાનગી બસ અમદાવાદના સાણંદ તાલુકાના ઇયાવા ગામથી મુસાફરોને લઈને ગળતેશ્વર તરફ જઈ રહી હતી. દરમિયાન સેવાલીયા રોડ પર લહેરીપૂરા પાસે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક ફેલ થવાના કારણે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસે પલટી મારી દીધી હતી. જોકે, રાહતની વાત એ છે કે, અંબાવમાં સર્જાયેલા ભારે ટ્રાફિક જામમાંથી બહાર નીકળ્યા બાદ આ અકસ્માત નડ્યો હતો, જેથી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે.













