ખેડા જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્તરે સનસનાટી મચાવતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ ટીમ) દ્વારા નડિયાદ-પેટલાદ રોડ પર બાંધણી ચોકડી નજીક આવેલા વલેટવા ગામની સીમમાં એક દારૂના ગોડાઉન પર ગુપ્ત બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ખેડા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય અને બુટલેગર પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમારની સંડોવણી હોવાનું ખુલ્યું છે.

5.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સ્ટેટ વિજિલન્સની ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન વિદેશી દારૂની કુલ 1033 નંગ બોટલો ઝડપી લેવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 5.07 લાખની કિંમતનો દારૂનો જથ્થો, એક મોબાઈલ ફોન અને લાઈટબિલ સહિત કુલ 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ રેડ દરમિયાન ગોડાઉન પર હાજર આરોપી હિતેશભાઈ અરવિંદભાઈ પરમારની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી છે.

ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત

પકડાયેલા આરોપી હિતેશ પરમારે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે, આ રહેણાંક મકાન અને ગેરકાયદેસર દારૂનો જથ્થો તેના કાકા ભગુભાઈ ફુલાભાઈ પરમારનો છે. આ ગુનામાં મુખ્ય આરોપીના પાર્ટનર તરીકે ખેડા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય પ્રફુલભાઈ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર, ભગુભાઈ ફુલાભાઈ પરમાર અને અતુલ રાજેશભાઈ પરમારના નામો સામે આવ્યા છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. વિજિલન્સની ટીમે આ ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શાસક પક્ષના જ નેતાનું નામ દારૂના કાળા કારોબારમાં ખુલતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.


આ પણ વાંચો - Khedaના ગળતેશ્વરમાં મુસાફરો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઉગ્ર મારામારી