ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને કારણે ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં બમ્પર પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણીનું સ્તર સતત વધતાં શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના ધસમસતા પૂરના પાણી કાંઠાના વિસ્તારો ઓળંગીને સીધા ગળતેશ્વર તાલુકાના સીમ વિસ્તારો અને ખેતરોમાં ઘૂસી ગયા છે.

શેઢી નદીના પૂરના પાણી ફરી વળ્યા

શેઢી નદીના પૂરે ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદરા, પાલૈયા, ડેરોલિયા અને દાતરડી સહિતના કુલ 7થી વધુ ગામોને ઘેરાવો ઘાલ્યો છે. આ તમામ ગામોની હજારો વીઘા ખેતીની જમીનમાં પૂરના પાણી ફરી વળતાં સમગ્ર પંથક કોઈ વિશાળ સરોવરમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.પૂરના પાણી ખેતરોમાં ઘૂસી જતાં સૌથી વધુ માર ગળતેશ્વરના ગરીબ અને સામાન્ય ખેડૂતોને પડ્યો છે. આ વિસ્તારના ખેતરોમાં 4 થી 5 ફૂટ જેટલા ઊંડા કાળજાળ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને વાવેલો ડાંગર, ઘાસચારો અને અન્ય રોકડિયા પાકો છેલ્લા ૨૪ કલાકથી પાણીમાં ગરકાવ થયેલા છે.

ખેડૂતો પર આર્થિક આફત

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, "બિયારણ, ખાતર અને ખેડ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છીએ. હવે જ્યારે પાક તૈયાર થઈ રહ્યો હતો ત્યારે જ શેઢી નદીના પૂરના પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે. જો આગામી ૨૪ કલાકમાં પાણી નહીં ઓસરે તો ઊભો પાક કહોવાઈ જશે અને અમારે મોટું આર્થિક સંકટ વેઠવાનો વારો આવશે." ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગ દ્વારા પૂર ઓસર્યા બાદ તુરંત જ ગળતેશ્વર તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોમાં પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊઠી છે.

આ પણ વાંચો: Dhrangadhra: જેગડવા રેલ્વે અંડરબ્રિજમાં 10 ફૂટ પાણી ભરાતાં ચાર ગામોનો સંપર્ક તૂટ્યો, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આક્રોશ