ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની કાલસર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્તનો અંત આવ્યો છે.ડેપ્યુટી સરપંચ સાબિરમિયાં મલેક સહિતના સભ્યો દ્વારા સરપંચ સામે રજૂ કરાયેલી દરખાસ્ત પર ખાસ સભામાં મતદાન થયું હતું.જેમાં પાંચ સભ્યોના વિરોધ છતાં બે તૃતીયાંશ બહુમતીના ગણિતના અભાવે દરખાસ્ત નામંજૂર થતાં સરપંચ ઈમ્તિયાઝ બાનું મલેકની ખુરશી સલામત રહી છે.

માત્ર 1 મત સરપંચની તરફેણમાં પડ્યો હતો

ઠાસરા તાલુકાની કાલસર ગ્રામ પંચાયતના સ્થાનિક રાજકારણમાં ડેપ્યુટી સરપંચ સાબિરમિયાં મલેક અને અન્ય સભ્યો દ્વારા સરપંચ ઈમ્તિયાઝ બાનું મલેક સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી.આ અવિશ્વાસ દરખાસ્ત પર નિર્ણય કરવા માટે પંચાયતની ખાસ સભા બોલાવવામાં આવી હતી.કાલસર ગ્રામ પંચાયતમાં કુલ 8 સભ્યોનું સંખ્યાબળ છે.આ ખાસ સભા દરમિયાન યોજાયેલા મતદાન વખતે કુલ આઠ સભ્યોમાંથી 6 સભ્યો જ હાજર રહ્યા હતા. જ્યારે બે સભ્યો ગેરહાજર રહ્યા હતા.આ બે સભ્યોની ગેરહાજરી સમગ્ર અવિશ્વાસ પ્રક્રિયાના ગણિતમાં સૌથી વધુ નિર્ણાયક સાબિત થઈ હતી. સભામાં થયેલા મતદાન દરમિયાન ઉપસ્થિત રહેલા છ સભ્યો પૈકી 5 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કર્યું હતું,જ્યારે માત્ર 1 મત સરપંચની તરફેણમાં પડ્યો હતો. 

જરૂરી આંકડો ન મળવાથી અવિશ્વાસ દરખાસ્ત નામંજૂર થઈ 

સામાન્ય રીતે પાંચ સભ્યોનો વિરોધ બહુમતી દર્શાવતો હોવા છતાં,પંચાયતના નિયમો મુજબ સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા કુલ સભ્ય સંખ્યાના બે તૃતીયાંશ બહુમતી મતોની અનિવાર્ય જરૂર હોય છે.કાલસર પંચાયતના કુલ 8 સભ્યોના સંખ્યાબળ મુજબ દરખાસ્ત મંજૂર કરાવવા 6 મતોની જરૂર હતી.પરંતુ દરખાસ્તની તરફેણમાં માત્ર 5 મત મળતાં જરૂરી આંકડો ન મળવાથી અવિશ્વાસ દરખાસ્ત નામંજૂર થઈ હતી.બે તૃતીયાંશ બહુમતીના ટેકનિકલ ગણિતે સરપંચ ઈમ્તિયાઝ બાનું મલેકને મોટું રાજકીય જીવતદાન આપ્યું છે અને તેમની સરપંચ પદની ખુરશી સંપૂર્ણપણે સલામત રહી છે.પંચાયતમાં વિરોધ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કાયદાકીય જોગવાઈના કારણે અવિશ્વાસની દરખાસ્તનો આ રીતે નાટકીય અંત આવ્યો છે. મતદાનમાં પાંચ સભ્યોનું સમર્થન મળ્યું હોવા છતાં દરખાસ્ત નામંજૂર જાહેર થતાં ડેપ્યુટી સરપંચ સાબિરમિયાં મલેક સહિતના તમામ વિરોધી સભ્યોમાં ભારે નારાજગી અને હતાશા ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: દાણીલીમડામાં કફ સિરપ સાથે આરોપી સલમાન પઠાણની પોલીસે ધરપકડ કરી