અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશીલા પદાર્થો સામે ચાલી રહેલી કડક કાર્યવાહી દરમિયાન પોલીસે ઓટોરિક્ષામાંથી પાસ-પરમીટ વગરની કફ સિરપની 100 બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે 32 વર્ષીય આરોપી સલમાન ગુલઝારખાન પઠાણની ધરપકડ કરી છે.ગેરકાયદે રીતે હેરાફેરી કરાતી કફ સિરપ તેમજ વાહન સહિત કુલ રૂ.1.98 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

આરોપી સલમાન ગુલઝારખાન પઠાણની ધરપકડ

દાણીલીમડા પોલીસ મથકની ટીમ દ્વારા પોતાના વિસ્તારમાં નશીલા પદાર્થો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફ વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પોલીસ ટીમને મહત્વની વિગતો મળી હતી.જેના આધારે પોલીસે બેરલ માર્કેટનો ઢાળ ઉતરતા દરોડો પાડ્યો હતો. પાંચ રૂપિયાના દવાખાના તરફ જતી ગલી પાસે પોલીસે વોચ ગોઠવી હતી.આ સમયે ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ઓટોરિક્ષાને પોલીસે અટકાવી હતી.પોલીસે વાહનની ઝડતી લેતા તેમાંથી કફ સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો.રિક્ષામાંથી કફ સિરપની કુલ 100 બોટલો કબજે કરવામાં આવી હતી.સ્થળ પરથી પોલીસે 32 વર્ષીય આરોપી સલમાન ગુલઝારખાન પઠાણની ધરપકડ કરી હતી.

તેની સામે અગાઉ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સલમાન પાસ પરમીટ વગર સિરપ રાખીને હેરાફેરી કરતો હતો.આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસે આરોપી સામે સિરપની હેરાફેરી કરવાનો આરોપ મૂક્યો છે.જપ્ત કરાયેલી કફ સિરપની બોટલોની બજાર કિંમત રૂ.1,17,650 આંકવામાં આવી છે.પોલીસે ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા પણ પોતાના કબજે લીધી છે.આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે.આ ઉપરાંત તેની પાસેથી રોકડ રકમ પણ મળી આવી હતી.પોલીસે તમામ ચીજવસ્તુઓ મળીને સ્થળ પરથી કુલ રૂ.1,98,050નો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપી સલમાન પઠાણની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ રેકોર્ડની તપાસમાં સામે આવ્યું કે તેની સામે અગાઉ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.આ ઉપરાંત તેની સામે જુગારના ગુનાઓ પણ દાખલ થયેલા છે.

દાણીલીમડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા

પોલીસે સલમાનની પૂછપરછ કરીને તેના અન્ય સાથીદારોની માહિતી મેળવી હતી.જેમાં કફ સિરપના આ મોટા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સનું નામ પણ બહાર આવ્યું છે.પોલીસે ઇર્શાદ ઉર્ફે ઇસ્સો ઐયુબઅલી શેખ નામના શખ્સની સંડોવણી શોધી કાઢી છે.આ નેટવર્કમાં ભૂમિકા સામે આવતા પોલીસે ઇર્શાદને વોન્ટેડ જાહેર કર્યો છે.ફરાર આરોપીને ઝડપી પાડવા માટે દાણીલીમડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.આ કફ સિરપ ક્યાંથી મેળવાઈ હતી તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.સમગ્ર રેકેટના અન્ય તાર મેળવવા દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Vadodara News: જાહેરનામામાં મોટી બેદરકારી છતી થતાં કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગની કામગીરીમાં ગંભીર સવાલો