વડોદરા જિલ્લાના શિનોરમાં ચૂંટણી સંદર્ભે અનામત બેઠકોના જાહેરનામામાં વ્યાપક છબરડા સામે આવતાં ભારે ચર્ચા જાગી છે.તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગામનું નામ ખોટું લખાવા સહિત બેઠકોની ફાળવણીમાં ગંભીર વિસંગતતાઓ સર્જાઈ છે.આ છબરડાને કારણે વડોદરા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ટીંગલોદ ગામનું નામ ખોટી રીતે ટાંગલોદ લખી દેવાયું

શિનોર તાલુકામાં જાહેર કરાયેલા ચૂંટણી જાહેરનામામાં અનેક સ્તરે બેદરકારીની હારમાળા જોવા મળી રહી છે.સરકારી દસ્તાવેજમાં સામાન્ય જોડણીની પણ તકેદારી રાખવામાં આવી નથી અને ટીંગલોદ ગામનું નામ ખોટી રીતે ટાંગલોદ લખી દેવામાં આવ્યું હતું.આ ભૂલ પૂરતી સીમિત ન રહેતાં બેઠકોની કેટેગરી નક્કી કરવામાં પણ મોટી ગરબડ આચરવામાં આવી છે.જાહેરનામામાં ઝાંઝડ ગામે સામાન્ય બિનઅનામત બેઠક ફાળવવાની હતી પરંતુ તેની જગ્યાએ મહિલા અનામત બેઠક જાહેર કરી દેવામાં આવી હતી.આ જ પ્રકારે કુક્સ ગામની બેઠક બાબતે પણ વહીવટી તંત્રની ગંભીર ક્ષતિ છતી થઈ છે. 

તાકીદે સુધારા હુકમ બહાર પાડવાની ફરજ પડી

કુક્સ ગામે નિયમ મુજબ બિનઅનામત મહિલા બેઠક જાહેર કરવાની જરૂર હતી પરંતુ સત્તાવાળાઓ દ્વારા તેના સ્થાને સામાન્ય બિનઅનામત બેઠક દર્શાવી દેવામાં આવી હતી.આ પ્રકારની વિસંગતતાઓથી વહીવટી બેદરકારીની પોલ ખુલ્લી પડી ગઈ છે.જાહેરનામામાં થયેલી આવી ગંભીર ભૂલો ધ્યાને આવતાં જ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને ભૂલ સુધારવા માટે તાકીદે સુધારા હુકમ બહાર પાડવાની ફરજ પડી હતી.જોકે આ સુધારા હુકમ બહાર પડતાંની સાથે જ સ્થાનિક સ્તરે કુક્સ અને ઝાંઝડ ગામના નાગરિકો તેમજ દાવેદારોમાં ભારે અસમંજસ અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. 

ગંભીર ક્ષતિઓ સર્જાવાથી વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો

ચૂંટણી પ્રક્રિયા જેવી સંવેદનશીલ બાબતમાં એક નહીં પરંતુ અનેક ભૂલો સામે આવતાં હવે તંત્રની સજ્જતા સામે આકરા સવાલો ઉભા થઈ રહ્યા છે.વહીવટી વર્તુળોમાં એ ચર્ચા જોર પકડી રહી છે કે આ માત્ર સામાન્ય વહીવટી ભૂલ છે કે પછી ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર બેદરકારી થઈ છે. સમગ્ર બાબતે હવે વડોદરા જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગની કાર્યશૈલી સીધી રીતે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.ચૂંટણી પંચ અને સ્થાનિક અધિકારીઓની બેદરકારીને લીધે ગ્રામીણ મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.ચૂંટણી જેવા મહત્વપૂર્ણ તબક્કે આવી ગંભીર ક્ષતિઓ સર્જાવાથી વહીવટી તંત્રની ચોકસાઈ અને વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ Rajkot સિવિલ હોસ્પિટલ ફરી ઘેરાઈ વિવાદમાં, દર્દીના છાતીમાં તાર રહી ગયાને મામલે પરિવારના આકરા આક્ષેપ