ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરીને મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ગ્રામ પંચાયતની નોટિસ બાદ 43 જેટલી કાચી દુકાનો પર ફર્યું JCB

પ્રાપ્ત વિગતો અનુસાર, આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા દબાણોને કારણે અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ રહી હતી, જેને પગલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.આતરસુંબા ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ ફટકારાઈ હતી અને સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.ત્યારબાદ આજે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી 43 જેટલી કાચી દુકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા JCB મશીનની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે.

મામલતદાર, TDO અને PSIની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને PSIની ઉપસ્થિતિમાં તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી બસ સ્ટેન્ડ વિસ્તાર ખુલ્લો થતાં મુસાફરો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.

આ પણ વાંંચો: Vadodara: YouTube પરથી AK-47 ચલાવતા શીખ્યો, દાહોદથી હથિયાર મેળવ્યું; આતંકીઓનો ફાયરિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો સામે આવ્યો