ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરામાં અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા મૂળ આસામના 22 વર્ષીય આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના જરોદ વિસ્તાર અને હોટેલમાંથી ઝડપાયેલા આ આતંકી પાસેથી ઘાતક AK-47 રાયફલ અને 23 જીવતા કારતુસ કબ્જે કરીને ATSએ UAPA એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં હવે આતંકીઓનો ફાયરિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો પણ સામે આવ્યો છે.
ફાયરિંગ પ્રેક્ટિસનો વીડિયો સામે આવ્યો; વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનો હતો ટાસ્ક
ગુજરાત ATSની આકરી પૂછપરછ અને તપાસમાં આતંકી ષડયંત્રને લઈને એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ દરમિયાન આતંકીઓનો ફાયરિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો સામે આવ્યો છે. આ ઉપરાંત તેના મોબાઈલમાંથી AK-47 હથિયારની ટ્રેનિંગના વીડિયો પણ મળી આવ્યા છે. આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામને વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવાનો ટાસ્ક મળ્યો હતો અને તે આગામી બે-ચાર દિવસમાં જ મોટો આતંકી હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આતંકીએ પોતાના ટાર્ગેટની રેકી કરી હતી અને તેના મોબાઈલ ફોનમાંથી વડોદરા એરફોર્સના ગેટના ફોટા તેમજ જૈશ-એ-મોહમ્મદનું કટ્ટરપંથી સાહિત્ય અને આતંકીઓ સાથેના કનેક્શનના પુરાવા મળી આવ્યા છે.

હેન્ડલરે તેને હુમલા માટે ₹50 હજાર આપ્યા
આતંકી છેલ્લા 1 વર્ષથી જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર 'મુફ્તિ રફીક' સાથે કનેક્શન ધરાવતો હતો. હેન્ડલરે તેને હુમલા માટે ₹50 હજાર આપ્યા હતા અને પોલીસ ટ્રેસિંગથી બચવા તે હુમલા પહેલા નવો મોબાઈલ લેવાનો હતો.તબલીગી વિચારધારા ધરાવતો આ આતંકી આસામના મદરેસામાં ભણ્યો હતો અને ત્યાં અભ્યાસ કરીને કટ્ટરપંથી બન્યો હતો. તેણે YouTube અને હેન્ડલર પાસેથી આતંકી તાલીમ લીધી હતી અને YouTube પરથી AK-47 ચલાવતા શીખ્યો હતો. આતંકી શહાદતની ઈચ્છા રાખતો હતો, પરંતુ હુમલા બાદ જો બચી જાય તો પાકિસ્તાન ભાગી જઈને જૈશ-એ-મોહમ્મદમાં જોડાવાની ફિરાકમાં હતો.
6 મહિનાથી ATSની નજર હતી; દાહોદથી હથિયાર મેળવી વડોદરા જતો હતો
ગુજરાત ATS છેલ્લા છ મહિનાથી (અને ગુજરાતમાં સતત સાત દિવસથી) આ આતંકીની હિલચાલ પર નજર રાખી રહી હતી.23 નવેમ્બરે ATSને તે ગુજરાત આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.આતંકી દાહોદથી હથિયાર મેળવીને વડોદરા જતો હતો ત્યારે ATSએ તેને વડોદરાના જરોદ વિસ્તાર અને હોટેલમાંથી દબોચી લઈ AK-47 અને 23 જીવતા કારતુસ કબ્જે કર્યા હતા.હવે ATS દ્વારા આતંકીના લોકલ કનેક્શન, હથિયાર અંગે દાહોદમાં તેમજ આસામથી વડોદરા સુધીના તમામ સ્થળોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
શું છે 'લોન વુલ્ફ એટેક' (Lone Wolf Attack) અને તે કેમ પડકારરૂપ છે?
વડોદરાથી ઝડપાયેલા આતંકી દ્વારા ગુજરાતમાં 'લોન વુલ્ફ એટેક' કરવાનું પ્લાનિંગ હોવાની પ્રબળ શંકા સામે આવી છે.'લોન વુલ્ફ એટેક' એટલે કોઈ મોટી ટોળકી વિના એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો આતંકી હુમલો, જેમાં હુમલાખોર એકલો જ સમગ્ર હુમલાનું આયોજન કરે છે. હુમલાખોર આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રેરિત હોય છે અને સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થઈને કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંવેદનશીલ સ્થળને નિશાન બનાવે છે.સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ: આવા હુમલામાં સંગઠનની સીધી સંડોવણી કે મોટું નેટવર્ક ન હોવાથી સુરક્ષા એજન્સીઓ માટે આવા હુમલા રોકવા અત્યંત પડકારરૂપ હોય છે, પરંતુ ગુજરાત ATSની બાજ નજરે આ ભયાનક ષડયંત્રને સમયસર નિષ્ફળ બનાવી દીધું છે.
આ પણ વાંચો: Vadodara એરફોર્સ સ્ટેશન પર હુમલાનો ટાસ્ક મળ્યો હતો? આસામથી વડોદરા સુધી ATSની તપાસ