ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ માં આવેલા સોનીપુરા વિસ્તારના સમસ્ત રહીશોએ વીજ પુરવઠાની ગંભીર સમસ્યાને લઈને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની ટાઉન અને રૂરલ વિભાગીય કચેરીએ ધસી જઈ ભારે હલ્લાબોલ કર્યો હતો.સ્થાનિક રહીશોએ ભેગા થઈને કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને પોતાની માંગણીઓ સંદર્ભે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

વારંવાર વીજળી ખોરવાઈ જવાની સમસ્યા

ગામલોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે,તેઓ છેલ્લા 50 વર્ષથી નિયમિતપણે શહેરી વિસ્તાર મુજબનું વીજ બિલ ચૂકવે છે છતાં પણ સોનીપુરા ગામને ગ્રામ્ય ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે.વારંવાર વીજળી ખોરવાઈ જવાની સમસ્યા સર્જાય છે પરંતુ જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે ટાઉન અને રૂરલ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળીને છટકવાનો પ્રયાસ કરે છે.સોનીપુરા ગામને તાત્કાલિક કપડવંજ ટાઉન ફીડર સાથે જોડવામાં આવે, વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ છેલ્લા 50 વર્ષ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વીજદર વચ્ચેના તફાવતની ગણતરી કરી તે રકમ પરત સર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

લોકોના આક્રોશનો ભોગ બનવાથી અધિકારીઓ ભાગ્યા

આશ્ચર્યની વાત એ છે કે,ગ્રામજનો આવેદનપત્ર આપવા આવવાના છે તેની અગાઉથી જાણ હોવા છતાં લોકોના આક્રોશનો ભોગ બનવાથી બચવા માટે MGVCLના જવાબદાર અધિકારીઓ કચેરીમાંથી ગાયબ થઈ ગયા હતા.અધિકારીઓ આ રીતે ગાયબ થઈ જતાં ગ્રામજનોનો રોષ બેવડાયો હતો અને તેઓએ નાયબ ઈજનેરની ઓફિસ આગળ જ જમીન પર બેસીને ધરણા શરૂ કરી દીધા હતા. સોનીપુરાના રહીશોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની આ વાજબી માંગણીઓ અને વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકના લોકોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ