ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા એક વિશેષ આયોજન દરમિયાન 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ લાઈબ્રેરીઓને ડિજિટલી જોડવામાં આવી છે.જેનાથી ગ્રામીણ ક્ષેત્રના યુવાનો અને વિદ્યાર્થીઓને આધુનિક અભ્યાસ સુવિધાઓ તથા મજબૂત ડિજિટલ કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે.
અદ્યતન વ્યવસ્થા ઉભી કરવામાં આવી
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રામીણ જ્ઞાન સેતુ એપના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે,મારા સંસદીય વિસ્તારના તમામ ગામોની લાઈબ્રેરીઓને આ એપ સાથે ડિજિટલી જોડવામાં આવી છે.કુલ 752 લાઈબ્રેરીઓના ડિજિટલ જોડાણ અને 2.80 લાખ પુસ્તકોના વિશાળ સંગ્રહ સાથે સિંદબાદની વાર્તાઓથી લઈને તમામ પ્રકારના પુસ્તકો બાળકોને પોતાના ગામમાં જ સરળતાથી મળી રહે તેવી અદ્યતન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ મારો માત્ર એક વિચાર હતો જેને ગુજરાત સરકારે વાસ્તવિકતામાં બદલીને આ શાનદાર વ્યવસ્થા ઊભી કરી છે.આ પુસ્તકો બાળકના ઘર સુધી પહોંચાડવા માટે ખાસ 4 વાન કાર્યરત કરવામાં આવી છે. જે દર 15 દિવસે દરેક ગામની મુલાકાત લેશે અને બાળકોને તેમની પસંદગી મુજબના પુસ્તકોની ડિલિવરી આપશે. આગામી સમયમાં અન્ય પ્રકાશકો અને પ્રેસ પણ આ પ્લેટફોર્મ પર જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
