નડિયાદ શહેરમાં નવા વર્ષના દિવસે કેનાલ રોડ પાસે આવેલા 8 જેટલા ફૂડ અને કપડાંના સ્ટોલમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર કિરણ ઝવેરીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને લાલ આંખ કરી છે.રહેણાંક પ્લોટમાં મંજૂરી વિના ચાલતા તમામ ગેરકાયદે સ્ટોલ 3 દિવસમાં જાતે હટાવી લેવા સંચાલકોને કડક અલ્ટિમેટમ પાઠવવામાં આવ્યું છે. કેનાલ રોડ પર લાગેલી ભીષણ આગ બાદ પાલિકાની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે રહેણાંક હેતુ માટે ફાળવાયેલા પ્લોટમાં કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર જ આ કોમર્શિયલ સ્ટોલ ઊભા કરી દેવાયા હતા.

ગેરકાયદે બાંધકામ અને કાટમાળ દૂર કરવા આદેશ આપ્યો

આ સ્થળે ફાયર એનઓસી કે આગ સામે સુરક્ષાની કોઈ પણ સુવિધા રાખ્યા વિના ધમધોકાર વેપાર ચલાવવામાં આવી રહ્યો હતો.કપડાંના સ્ટોલની એકદમ અડીને જ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરીને જોખમી રીતે ગેસના બાટલાઓનો ઉપયોગ થતો હતો.આ ગંભીર બેદરકારી સામે ટાઉન પ્લાનિંગ વિભાગે સંચાલકોને નોટિસ ફટકારી 3 દિવસમાં ગેરકાયદે બાંધકામ અને કાટમાળ દૂર કરવા આદેશ આપ્યો છે.જો નિયત સમયમર્યાદામાં સંચાલકો દ્વારા બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો જીપીએમસી એક્ટ હેઠળ બુલડોઝર ફેરવી ડિમોલિશન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર કિરણ ઝવેરીએ ગેરકાયદે સ્ટોલ સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો છે. 

મિલકત વેરો અને દંડ વસૂલવાની કવાયત પણ હાથ ધરાઈ

આ ઉપરાંત રહેણાંક પ્લોટમાં નિયમો નેવે મૂકી કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવવા બદલ મિલકત વેરો અને દંડ વસૂલવાની કવાયત પણ હાથ ધરાઈ છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે એક સ્ટોલદીઠ માસિક રૂ.10 હજારથી 15 હજાર જેટલું ભાડું વસૂલવામાં આવતું હતું.છતાં પાલિકામાં આકારણી કરાવ્યા વગર મોટા પાયે ટેક્સ ચોરી આચરવામાં આવી હતી.સ્થળ પર વપરાતા ગેસના બાટલા ક્યાંથી આવ્યા અને કોમર્શિયલ ઉપયોગ માટે કેવી રીતે પૂરા પડાયા તેની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવશે.સીટી એન્જિનિયરને પાણી અને ગટરના જોડાણો કાપવા તેમજ ચીફ ફાયર ઓફિસરને ફાયર એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. કમિશનર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે માત્ર સંચાલકો જ નહીં પરંતુ પાલિકાના જવાબદાર અધિકારીઓની લાપરવાહી સાબિત થશે તો તેમની સામે પણ આકરાં પગલાં લેવાશે. આગકાંડ બાદ આ જ માલિકના બીજા એકમ સામે પણ પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: સરકાર બુલેટ ટ્રેન માટે પાવર સપ્લાય ક્યાંથી મેળવશે, જાણો કોણ ભરશે તેનું બિલ?