નડિયાદના જૂના ડુમરાલ રોડ પર આવેલી કેનાલમાં એક માસૂમ બાળક ડૂબી જવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં કેનાલ નજીક ચાલી રહેલા સાયકલ ટ્રેકના કામમાં રોકાયેલા એક શ્રમિકનું બાળક રમતા-રમતા અચાનક કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો અને શ્રમિક પરિવારોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
બાળક કેનાલમાં ડૂબી ગયું હોવાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને કેનાલના વહેતા પાણીમાં બાળકની શોધખોળ શરૂ કરી છે. કેનાલના પ્રવાહ વચ્ચે બાળકને સહીસલામત કે વહેલી તકે શોધી કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

