મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની સીધી અસર ખેડા જિલ્લાના જળાશયો અને નદી મંડળ પર જોવા મળી રહી છે. ખાસ કરીને કાર્તિકી પૂનમના પ્રસિદ્ધ લોકમેળા માટે જાણીતા ખેડાના વૌઠા અને પાલ્લા નજીક આવેલા સપ્તનદી સંગમ ખાતે પૂરના પાણીની અભૂતપૂર્વ આવક નોંધાઈ છે.
પૂરના પાણીની અભૂતપૂર્વ આવક
ઉપરવાસના વિસ્તારોમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી અને કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ થતાં, સંગમ પામતી તમામ સાત નદીઓ સાબરમતી, વાત્રક, શેઢી, માઝમ, મેશ્વો, ખારી અને હાથમતીમાં નવા નીરનો તોતિંગ જથ્થો ઠલવાઈ રહ્યો છે.
નદીઓ બે કાંઠે વહેતાં દરિયા જેવા મનમોહક અને ભયાનક દ્રશ્યો
સાબરમતી અને વાત્રક નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટી નજીક પહોંચી જતાં આખો સંગમ વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. દુર-દુર સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, જેને કારણે નદીઓ જાણે કે વિશાળ દરિયો બની ગઈ હોય તેવા નજારા સર્જાયા છે.
નદીના પટમાં ન જવા સ્પષ્ટ સૂચના
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ખેડા જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મિશને નદી કાંઠે આવેલા વૌઠા, પાલ્લા અને આસપાસના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. સ્થાનિક સરપંચો, તલાટીઓ અને પોલીસ તંત્રને નદી કિનારે સતત પબ્લિક એનાઉન્સમેન્ટ કરવા અને લોકોને ઢોર-ઢાંખર સાથે નદીના પટમાં ન જવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સપ્તનદી સંગમ વિસ્તારમાં પાણીની સપાટી પર 24 કલાક સતત વોચ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં 4 થી 5 મોટાં ગાબડાં પડ્યાં, વરખડીયા સાઇફન કેનાલ ઓવરફ્લો