અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા અને તેની સરહદે આવેલા કડી પંથક સહિત ઉપરવાસના વિસ્તારોમાં પડેલા તોફાની વરસાદના કારણે કેનાલ નેટવર્ક પર ભારે કટોકટી સર્જાઈ છે. ઉપરવાસમાંથી વહીને આવેલા લાખો ક્યુસેક વરસાદી પાણીના નિકાલ સામે નાની કુમાદ પાસે આવેલી વરખડીયા સાઇફન કેનાલ ટૂંકી પડતાં જળતાંડવની સ્થિતિ સર્જાઈ છે.
કેનાલનું પૂરનું પાણી નર્મદા કેનાલમાં ધસમસતું ઘૂસી ગયું
કડી અને આસપાસના વિસ્તારોમાંથી આવતો પાણીનો મોટો જથ્થો વરખડીયા સાઇફન કેનાલમાં ઠલવાયો હતો, જેના કારણે સાઇફન કેનાલ તેની સંગ્રહ ક્ષમતા કરતાં વધુ ભરાઈને ઓવરફ્લો થઈ ગઈ હતી. સાઇફન ઓવરફ્લો થતાં જ કાચી કેનાલનું પૂરનું પાણી નજીકમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં ધસમસતું ઘૂસી ગયું હતું.
મુખ્ય કેનાલનું ધોવાણ થતા 4 થી 5 મોટાં ગાબડાં
વરસાદી પૂરના પાણીના અતિશય વેગ અને દબાણને કારણે કંક્રીટની બનેલી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલની પાળ તૂટી ગઈ હતી. મુખ્ય કેનાલમાં એક જ વિસ્તારમાં 4 થી 5 મોટાં ભયાનક ગાબડાં (Canal Breach) પડી જતાં કેનાલનું પાણી આસપાસના સીમ અને ખેતરોમાં વહેવા લાગ્યું છે.
નર્મદા કેનાલની પાળ તૂટી ગઈ
કેનાલમાં તોતિંગ ગાબડાં પડવાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં નાની કુમાદ ખાતે એકઠા થઈ ગયા હતા. કેનાલ તૂટવાના કારણે સૌરાષ્ટ્ર તરફ જતાં પીવાના અને સિંચાઈના પાણીના પુરવઠા પર પણ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ નર્મદા નિગમ (SSNNL) ના ઇજનેરો અને વિરમગામ તાલુકા વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને રોકવા અને મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાંનું યુદ્ધના ધોરણે સમારકામ (રીપેરિંગ) હાથ ધરવા માટે જેસીબી અને મશીનરી તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gandhinagar: મોકૂફ રહેલી GPSC પરીક્ષાઓ 1 ઓગસ્ટે લેવાય તેવી સંભાવના, 34 જાહેરાતો માટે સામાન્ય અભ્યાસની પરીક્ષાનું આયોજન