ખેડા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 8 પર પીજ ચોકડી પાસે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર પૂરઝડપે જઈ રહેલી બાઈક સામે અચાનક ગાય આવી જતાં ભીષણ ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે.
અમદાવાદથી કરમસદ જતી વખતે બની ઘટના
મળતી માહિતી મુજબ, 32 વર્ષીય રવિ શર્મા નામનો યુવક પોતાની બાઈક લઈને અમદાવાદથી કરમસદ સ્થિત પોતાના ઘરે તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 8 પર પીજ ચોકડી નજીક અચાનક ગાય વચ્ચે આવી ગઈ હતી. બાઈક ગાય સાથે જોરદાર રીતે અથડાતા રવિ શર્મા રોડ પર પટકાયો હતો.
માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયું
ગાય સાથે અથડાયા બાદ રવિ શર્મા રસ્તા પર ખૂબ જ જોરથી પટકાયો હતો, જેના કારણે તેને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈજાગ્રસ્ત યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે થોડીવાર માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
પોલીસે મૃતદેહને PM અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
અકસ્માતની જાણ થતાં જ હાઈવે પેટ્રોલિંગની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ત્યારબાદ મૃતક રવિ શર્માના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટ મોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Khedaના કપડવંજમાં કાર પર સીન સપાટા મારતા સ્ટંટબાજનો પોલીસે ઉતાર્યો રોફ, જાહેરમાં કાન પકડાવી મંગાવી માફી