ખેડા જિલ્લામાં આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરી એકવાર આંતરિક અસંતોષ અને મોટા ફેરફારોના એંધાણ વર્તાઈ રહ્યા છે. વડતાલ નજીક આવેલા વલેટવા ગામે 'સત્ય સિદ્ધાંત સમિતિ'ના બેનર હેઠળ કોર કમિટીના સભ્યો અને હરિભક્તોની એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી 200 થી વધુ અગ્રણી હરિભક્તો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આંતરિક અસંતોષ

બેઠક દરમિયાન હરિભક્ત આગેવાનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના મૂળ સિદ્ધાંતો અને ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા નિયમોથી દૂર જઈ રહ્યો છે. છેલ્લા 25 થી 30 વર્ષથી સંપ્રદાય જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તેના પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

સત્ય સિદ્ધાંત સમિતિ' ની યોજાઈ મહત્વની બેઠક

સત્ય સિદ્ધાંત સમિતિના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો અને તેમની આજ્ઞાઓથી સંપ્રદાય હાલ વિપરીત દિશામાં જઈ રહ્યો છે. આ પરિસ્થિતિ નિર્માણ પામવા પાછળનું મુખ્ય કારણ હાલના ટ્રસ્ટ સંચાલકોની બેદરકારી છે, જેમનું ધ્યાન ભગવાનના સ્થાપેલા નિયમો પર નથી અને સમગ્ર વહીવટ મનસ્વી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. જો ભગવાનના સિદ્ધાંતો અને આજ્ઞાઓને ધ્યાનમાં રાખીને વહીવટ કરાયો હોત તો આવી સ્થિતિ ક્યારેય ઊભી ન થઈ હોત.

બંધારણના પુનઃ નિર્માણ માટે હાથ ધરાશે ઝુંબેશ

બેઠકના અંતે સમિતિ દ્વારા ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવી હતી. જે મુજબ આગામી દિવસોમાં સમિતિના સભ્યો દરેક ગામડાંઓમાં જઈને હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણના મૂળ સિદ્ધાંતો પ્રત્યે જાગૃત કરશે. તમામ હરિભક્તોને સંગઠિત કરીને સંપ્રદાયમાં ફરીથી પવિત્ર સિદ્ધાંતો અને બંધારણનું પુનઃ નિર્માણ થાય તે દિશામાં આક્રમક પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabadમાં મોડી રાત્રે જાહેર રસ્તા પર જોખમી બાઇક સ્ટંટનો વિડીયો થયો વાયરલ!