ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર કબ્જા અને દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી આદિપુરના શિણાઈ કેનાલની આસપાસ તેમજ સિનોઇના મદીના નગર પાછળ આવેલી સરકારી કિંમતી જમીન પર કેટલાક તત્વો દ્વારા કાચા અને પાકા મકાનો તેમજ વ્યાપારી હેતુ માટેના દબાણો ખડકી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. કેનાલની સલામતી અને સરકારી જમીનના રક્ષણ માટે આખરે મહેસૂલ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.


નોટિસની અવધિ પૂરી થતાં જ બુલડોઝર એક્શન

આ દબાણો દૂર કરવા માટે સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા અગાઉ જ તમામ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસો પાઠવીને પોતાની મેળે જગ્યા ખાલી કરી દેવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. નોટિસની મુદત પૂર્ણ થવા છતાં પણ દબાણો યથાવત રહેતા, આજે વહીવટી તંત્રના અધિકારીઓ જેસીબી અને બુલડોઝરના કાફલા સાથે ત્રાટક્યા હતા. તંત્રએ કોઈપણ વિલંબ વિના કેનાલ કાંઠે ઊભા કરી દેવાયેલા ૨૦ જેટલા રહેણાંક અને અન્ય કાચા-પાકા બાંધકામોને જમીનદોસ્ત કરી નાખ્યા હતા અને સરકારી જમીન પર પોતાનો કબ્જો પુનઃ સ્થાપિત કર્યો હતો.

68 થી વધુ પોલીસ કર્મચારીઓની હાજરીમાં શાંતિપૂર્ણ ઓપરેશન

કેનાલ અને મદીના નગર જેવા સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કે ઘર્ષણ થવાની સંભાવનાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી રૂપે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરવામાં આવી હતી. ડિમોલિશનના સ્થળે કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે એસપી કચેરીના આદેશથી તૈનાત કરાયેલા 68 થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ અને પોલીસ જવાનોનો કડક સુરક્ષા ઘેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્તના પગલે કોઈ મોટો વિરોધ થઈ શક્યો ન હતો અને તંત્રએ શાંતિપૂર્ણ રીતે તમામ ૨૦ દબાણો હટાવીને કેનાલ વિસ્તારને સંપૂર્ણપણે ખુલ્લો અને લાઇન-ક્લિયર કરી દીધો છે.

આ પણ વાંચો: Amreli: કોવાયામાં સિંહોના શિકાર બનેલા 'પ્રકાશ ચંદ્ર' ના અંતિમ CCTV, મધરાતે 1 વાગ્યે કોલોનીમાંથી નીકળ્યો હતો યુવાન

  • Follow us on: