પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગત 31 ઓગસ્ટના રોજ ગુમ થયેલા 43 વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની ઘાતકી હત્યાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. 5 સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ કિનારેથી બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા, જેમાં તપાસ કરતા માનવ શરીરના અલગ-અલગ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહની ઓળખ ગુમ થયેલા લખ્ખુભાઈ તરીકે કરી હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અનૈતિક સંબંધમાં પત્નીના પ્રેમીએ જ ઘડી હત્યાની સ્ક્રિપ્ટ
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ અને એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક લખ્ખુભાઈની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોરનો છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ જ પ્રેમસંબંધના કારણે દિનેશે લખ્ખુભાઈને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવી માથામાં લોખંડનો રોડ મારી હત્યા નીપજાવી હતી.


