કચ્છ જિલ્લાના પોલીસ વિભાગમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાને કારણે આકસ્મિક અવસાન થયું છે. કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીના આ રીતે અકાળે અવસાન થતાં જ સમગ્ર કચ્છ પોલીસ બેડામાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાથી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ એક નિષ્ઠાવાન સાથી ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
51 વર્ષીય જવાનનો દેહ વતન શિવલખા ગામે લવાયો
માત્ર 51 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકનો ભોગ બનેલા એએસઆઈ સુભાષચંદ્ર રાજગોરનો મૃતદેહ પંચભૂતમાં વિલીન થવા માટે તેમના વતન શિવલખા ગામે લાવવામાં આવ્યો હતો. જ્યારે તેમનો દેહ ગામમાં પહોંચ્યો હતો, ત્યારે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. શિવલખા ગામના પનોતા પુત્ર અને ખાખી વરદીનું ગૌરવ વધારનાર જવાનને અંતિમ વિદાય આપવા માટે આખું ગામ હિબકે ચડ્યું હતું.
પોલીસ સન્માન સાથે અપાયા અંતિમ સંસ્કાર
સ્વ. સુભાષચંદ્ર રાજગોરની અંતિમ યાત્રા તેમના વતન શિવલખા ગામે સન્માનપૂર્વક કાઢવામાં આવી હતી. ગુજરાત પોલીસના નિયમાનુસાર, તેમના દેહને તિરંગામાં લપેટીને પૂરા રાષ્ટ્રીય અને પોલીસ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસ જવાનોએ હવામાં ફાયરિંગ કરીને અને હથિયાર નમાવીને શહીદ સમાન વીર જવાનને આદરપૂર્વક વિદાય આપી હતી.
અશ્રુભીની આંખે અંતિમ સલામી
આ કરુણ પ્રસંગે કચ્છ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભચાઉ પોલીસ સ્ટેશનના સાથી કર્મચારીઓ શિવલખા ગામે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ અશ્રુભીની આંખે પોતાના સાથી અધિકારીને અંતિમ સલામી આપી હતી. આ અંતિમ યાત્રામાં મૃતકના સગા-સ્નેહીઓ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો - Kachchh News: મુન્દ્રામાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, વાહનો સહિત 55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો