ગુજરાતમાં કરચોરો સામે આવકવેરા વિભાગે (IT) મોટું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યમાં ગાંધીધામ અને મુન્દ્રા સહિત કુલ 15 જેટલાં સંવેદનશીલ અને વેપારી સ્થળો પર આઈટી વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા વહેલી સવારથી એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે.
ગુજરાતમાં આઈટી વિભાગના દરોડા
આ દરોડામાં ખાસ કરીને કચ્છ જિલ્લાના દરિયાઈ બંદર ક્ષેત્ર સાથે સીધા જોડાયેલા મોટા કારોબારીઓ, શિપિંગ એજન્ટો, લોજિસ્ટિક્સ કંપનીઓ અને જમીન-મકાનના કારોબાર સાથે જોડાયેલા મોટો ગજાના વેપારી જૂથોને આઈટી વિભાગે પોતાની તપાસના દાયરામાં લીધા છે.આવકવેરા વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ વિશાળ તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વેપારી જૂથો દ્વારા મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હોવાની અને પોતાના નાણાકીય હિસાબી ચોપડાઓમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે.
