ગુજરાતના અતિ સંવેદનશીલ ગણાતા કચ્છના દરિયાઈ અને સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા અને દેશવિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસવાના ભાગરૂપે મરીન કમાન્ડો દ્વારા કચ્છના દરિયાકાંઠે વ્યાપક કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.મરીન કમાન્ડોની ટુકડીઓ દ્વારા લક્કીનાળાથી લઈને રામેન્દ્રા સુધીના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન માર્ગો પરથી પસાર થતાં શંકાસ્પદ ઈસમો, વાહનો તેમજ દરિયામાં તરતી શંકાસ્પદ બોટોની રોકીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકાંઠા નજીક આવેલા ઉજ્જડ અને અવાવરૂ વિસ્તારોને પણ ખૂંદી વળીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ડ્રગ્સ, દાણચોરી અને ઘૂસણખોરી રોકવા મરીન સુરક્ષા વધુ મજબૂત કરી

કચ્છનો દરિયાકાંઠો ભૌગોલિક રીતે પાકિસ્તાન સરહદ નજીક આવેલો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી, દારૂ કે અન્ય વસ્તુઓની દાણચોરી તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને સમૂળગી ડામી દેવાના હેતુથી મરીન સુરક્ષાને વધુ કડક અને સતર્ક કરવામાં આવી છે.

સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

આગામી સમયમાં કોઈ પણ અપ્રિય ઘટના ના બને અને કોઈ પણ શંકાસ્પદ તત્વો ભારતીય સીમામાં પ્રવેશી ન શકે તે માટે સુરક્ષા દળો દ્વારા ચોવીસે કલાક બારીક નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશોને પણ કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો ત્વરિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkotના ગોંડલમાં પરિણીતાનો આપઘાત, સાયબર ઠગાઈની આશંકા, રૂ. 2 લાખ ગુમાવતા જીવન ટૂંકાવ્યું!