કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા કાજે તૈનાત એરફોર્સના એક જવાને અગમ્ય કારણોસર પોતાની ફરજ દરમિયાન જ આપઘાત કરી લેતા લશ્કરી છાવણી સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
નલિયા એરફોર્સ સ્ટેશનમાં આપઘાત
મળતી પ્રાથમિક વિગતો મુજબ, મૃતક જવાનની ઓળખ ભરતરાજ ભોમપ્રકાશ ભારદ્વાજ તરીકે થઈ છે. તેઓ એરફોર્સ સ્ટેશનના સૌથી સુરક્ષિત ગણાતા 'ટેકનિકલ એરિયા'માં પોતાની નિયમિત ફરજ પર હતા. આ દરમિયાન તેમણે પોતાની સરકારી ગન એટલે કે અદ્યતન AK-103 એસોલ્ટ રાઇફલમાંથી અચાનક પોતાની જાત પર ફાયરિંગ કર્યું હતું. ગોળી ગરદનના ભાગેથી પ્રવેશીને માથાના ભાગેથી આરપાર નીકળી ગઈ હતી. હથિયારમાંથી છૂટેલી ગોળીના ઘાતક પ્રહારને કારણે જવાન ભરતરાજ ભોમપ્રકાશનું ઘટનાસ્થળે જ તરફડિયા મારીને લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું.
