કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા કલ્યાણપર ગામે ધાર્મિક વિધિના નામે લોકોની શ્રદ્ધા સાથે રમત રમીને ઠગાઈ આચરતી એક શાતિર ત્રિપુટી ઝડપાઈ ગઈ છે. બનાસકાંઠા પંથકની કુખ્યાત 'લોટા ગેંગ'ના સભ્યોએ કલ્યાણપર ગામના સ્થાનિક રહીશ મેપાભાઈ નામના નાગરિકને વિશ્વાસમાં લઈ વિધિ કરવાના નામે છેતરપિંડી આચરી હતી.

રોકડ અને ઘરેણાં લઈને આરોપીઓ ફરાર થયા હતા

ઘટનાની વિગત મુજબ, આરોપીઓએ ફરિયાદી મેપાભાઈના ઘરે ધાર્મિક વિધિ કરી આપવાના બહાને પૂજા-પાઠનું નાટક રચ્યું હતું. વિધિ દરમિયાન ચાલાકી વાપરીને આરોપીઓ ઘરમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સેરવી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ગ્રામજનોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ગ્રામજનો અને રાપર પોલીસની સતર્કતાથી ગેંગ ઝડપાઈ

છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને રાપર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ગ્રામજનોની જાગરૂકતા અને પોલીસની ત્વરિત કાયદેસરની કામગીરીને કારણે આખરે બનાસકાંઠાની 'લોટા ગેંગ'ની આ ત્રિપુટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને ચોરાયેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રિકવર કરી લીધી છે.

વાગડ વિસ્તારમાં અન્ય ગુનાઓ પણ આચર્યાનો ખુલાસો

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ત્રિપુટીએ માત્ર કલ્યાણપરમાં જ નહીં, પરંતુ સમગ્ર વાગડ વિસ્તારમાં પણ અન્ય કેટલાય ભોળા લોકોને ધાર્મિક વિધિના નામે વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

રાપર પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓ અંગે વધુ ફરિયાદો નોંધવા માટે રાપર પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે. વાગડ પંથકમાં આ ગેંગનો ભોગ બનેલા અન્ય લોકો પણ સામે આવે તે માટે પોલીસે તપાસ ચાલુ રાખી છે. આ સાથે જ અજાણ્યા સાધુ કે વિધિ કરનારાઓથી સાવચેત રહેવા સ્થાનિકોને અપીલ કરાઈ છે.


આ પણ વાંચો - 10 August Top News: 10 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ